મનાલી વિશે જાણો.

મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલ એક નાનકડું નગર છે. મનાલી લેસર કે ઇનર હિમાલય રેન્જમાં આવેલ કુલ્લુ ઘાટીના ઉત્તરના ભાગે બિયાસ નદીને કિનારે વસેલ છે. જેની દરિયાકિનારાથી ઊંચાઈ 1950 મીટર જેટલી છે. જે 1800 થી 2000 મીટરની ઊંચાઈ વચ્ચે ફેલાયેલ છે.



મનાલીનું નામ 'મનુ-આલય' પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે 'મનુનું નિવાસસ્થાન'. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે મહાપ્રલય (ભયંકર પૂર) આવ્યો અને આખી પૃથ્વી જળમગ્ન થઈ ગઈ, ત્યારે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારે ઋષિ મનુ અને સપ્તઋષિઓને બચાવ્યા હતા. પૂરના પાણી ઓસર્યા પછી, મનુ ઋષિએ જે સ્થળે સૌપ્રથમ પગ મૂક્યો અને માનવ સભ્યતાની પુનઃરચના કરી, તે સ્થળ એટલે આજનું મનાલી. આ કારણે જ મનાલીને 'દેવોની ઘાટી' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

અહીં મનુ ટેમ્પલ આવેલ છે. ઓલ્ડ મનાલીમાં આવેલું આ મંદિર ભારતનું (અને કદાચ વિશ્વનું) એકમાત્ર મંદિર છે જે મનુ ઋષિને સમર્પિત છે.

એવું માનવામાં આવે છે કે આ તે જ પવિત્ર સ્થળ છે જ્યાં મનુ ઋષિએ પૃથ્વી પર ઉતરીને કઠોર તપસ્યા કરી હતી. તેઓને માનવજાતના સર્જક અને 'મનુસ્મૃતિ' (પ્રાચીન હિન્દુ કાયદા ગ્રંથ) ના લેખક માનવામાં આવે છે. આ તપોભૂમિને ૧૯મી સદીમાં કુલ્લુના રાજાએ તેનું નવીનીકરણ કરાવ્યું હતું.


માતા હિડિંબા અને મનાલી

પૌરાણિક કથા મુજબ, હિડિંબા આ વિસ્તારમાં રહેતા 'હિડિંબ' નામના રાક્ષસની બહેન હતી. જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા, ત્યારે ભીમ અને હિડિંબ વચ્ચે યુદ્ધ થયું જેમાં ભીમે હિડિંબનો વધ કર્યો. ત્યારબાદ ભીમ અને હિડિંબાના લગ્ન થયા અને તેમને ઘટોત્કચ નામનો પુત્ર થયો, જેણે મહાભારતના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભીમ અને પાંડવોના ગયા પછી, હિડિંબાએ આ જંગલમાં ઘોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને દેવીનું પદ પ્રાપ્ત થયું. આજે પણ સ્થાનિક લોકો તેમને કુલ્લુ ખીણના રક્ષક દેવી તરીકે પૂજે છે. મનાલીમાં બિરાજતા હિડિંબા દેવીએ રાજસ્થાનના ખાટુંમાં બિરાજતા ભગવાન ખાટું શ્યામના સગા દાદી થાય છે.


વશિષ્ઠ ઋષિ અને મનાલી

ઋષિ વશિષ્ઠ ભગવાન શ્રી રામના કુળગુરુ અને સપ્તઋષિઓમાંના એક હતા. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ઋષિ વશિષ્ઠના ૧૦૦ પુત્રોનો વિશ્વામિત્ર સાથેના સંઘર્ષમાં વધ થયો, ત્યારે તેઓ અત્યંત શોકમગ્ન થઈ ગયા હતા.  

એવું કહેવાય છે કે શોકથી મુક્ત થવા અને શાંતિની શોધમાં તેઓ હિમાલય તરફ આવ્યા હતા. મનાલી પાસે વિપાશા (આજની બિયાસ નદી) ના કિનારે તેમણે કઠોર તપસ્યા કરી હતી. જ્યાં આજે વશિષ્ઠ ગામ છે. અહીંયા તેમનું મંદિર છે. 

અહીંના સ્થાનિક લોકોની માન્યતા છે કે ઋષિ વશિષ્ઠે પોતાને પાશ (દોરડા) થી બાંધીને આ નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ નદીએ તેમના બંધન (પાશ) તોડી નાખ્યા અને તેમને જીવનદાન આપ્યું. તેથી આ નદીનું નામ 'વિપાશા' (બંધનમુક્ત કરનાર) પડ્યું. જે આજે બિયાસ નદી તરીકે ઓળખાય છે. 

લોકવાયકા મુજબ, ઋષિ વશિષ્ઠે પોતાની તપસ્યાના બળે આ જગ્યાએ ગરમ પાણીની ધારા પ્રગટ કરી હતી.  જે મંદિરની બાજુમાં છે. આ પાણીમાં સલ્ફર (ગંધક) નું પ્રમાણ વધુ હોવાથી તેમાં સ્નાન કરવાથી ચામડીના રોગો અને સાંધાના દુખાવા મટે છે તેવી શ્રદ્ધા છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે સ્નાન કરવાની અલગ વ્યવસ્થા છે.

વશિષ્ઠ ગામથી થોડે દૂર જંગલોમાં જોગિની ધોધ આવેલો છે. એવું માનવામાં આવે છે કે આ ધોધના કિનારે પણ ઋષિ વશિષ્ઠે ધ્યાન ધર્યું હતું. આજે પણ આ વિસ્તાર ખૂબ જ શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો લાગે છે.

મનાલીમાં મનુ ઋષિએ સૃષ્ટિની રચના કરી, તો વશિષ્ઠ ઋષિએ અહીં જ્ઞાન અને શાંતિનો પ્રસાર કર્યો. આ જ કારણ છે કે મનાલીને માત્ર હિલ સ્ટેશન નહીં, પણ 'ઋષિઓની ભૂમિ' કહેવામાં આવે છે.


અર્જુન ગુફા અને મનાલી

મનાલીથી લગભગ ૫ કિમી દૂર 'પ્રિણી' ગામ પાસે બિયાસ નદીના કિનારે આ ગુફા આવેલી છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારત કાળ દરમિયાન પાંડુપુત્ર અર્જુને અહીં કઠોર તપસ્યા કરી હતી. અર્જુને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં ધ્યાન ધર્યું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને 'પાશુપત અસ્ત્ર' (જે સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંનું એક મનાય છે) અર્પણ કર્યું હતું.

આ એક કુદરતી ગુફા છે. અહીંની મુલાકાત લેવી એ સાહસ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ છે. ગુફાની નજીકથી પહાડો અને નદીનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે.

મનાલીમાં દરેક થોડા અંતરે એક નવી પૌરાણિક કથા જોવા મળે છે. મનુ ઋષિ, હિડિંબા દેવી, વશિષ્ઠ ઋષિ, અર્જુન અને વેદવ્યાસ - આ તમામ મહાન વિભૂતિઓના પગલાં આ ભૂમિ પર પડ્યા છે, તેથી જ હિમાચલને 'દેવભૂમિ' કહેવામાં આવે છે.


લેખન અને સંકલન :- Ramde Dangar 

Previous Post Next Post