પાન નલિનનું મૂળ નામ નલિનકુમાર રમણિકલાલ પંડ્યા છે. તેઓ મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના અડતાલા ગામના વતની છે. તેમનું બાળપણ ભારે આર્થિક સંઘર્ષમાં વીત્યું હતું. રસપ્રદ વાત એ છે કે, માત્ર 12 વર્ષની નાની ઉંમરે તેઓ ખિજડીયા રેલવે સ્ટેશન પર તેમના પિતા સાથે ચા વેચવાનું કામ કરતા હતા. સિનેમા પ્રત્યેના લગાવ અને આ ક્ષેત્રમાં કરિયર બનાવવાના સપના સાથે તેમણે નાની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. પણ ખરેખર તેમની આ જીવન સફરમાં એક શિક્ષકનું મહત્વ ઘણું હતું.
તે મુજબ જ્યારે પાન નલિન (નલિનકુમાર પંડ્યા) ખિજડીયા રેલવે સ્ટેશન પર પિતાની ચાની લારી પર કામ કરતા અને સ્ટેશનની દીવાલો તથા જમીન પર કોલસા અને માટીથી ચિત્રો દોરતા, ત્યારે મનુભાઈ ભટ્ટે તેમની આ કળા અને પ્રતિભાને ઓળખી કાઢી હતી. તેમણે જ નલિનના પિતાને સમજાવીને નલિનને વડોદરા (એમ. એસ. યુનિવર્સિટી) ભણવા મોકલવા માટે રાજી કર્યા હતા, જે તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
શિક્ષણ અને આર્થિક મુશ્કેલીઓ
તેમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી (MS University) માંથી ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ ખાતે આગળનો અભ્યાસ કર્યો. પોતાના ભણતરનો ખર્ચ કાઢવા માટે તેમણે ભારે મહેનત કરવી પડી હતી. પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે નલિને અંદાજે 50 જેટલા લગ્નના વીડિયો (Wedding Videos) શૂટ કર્યા હતા. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થી કાળ દરમિયાન 20 શોર્ટ ફિલ્મો અને એનિમેશન ફિલ્મો પણ બનાવી હતી. NID માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે બે વર્ષ સુધી સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું હતું.
કરિયરની શરૂઆત અને વૈશ્વિક ઓળખ
તેમના કરિયરની શરૂઆત મુંબઈથી થઈ હતી, પરંતુ શરૂઆતમાં ત્યાં તેમના કામની યોગ્ય કદર ન થઈ. આથી તેઓ એક વર્ષ માટે અમેરિકા અને બ્રિટન ચાલ્યા ગયા અને ત્યારબાદ 6 મહિના યુરોપમાં પણ વિતાવ્યા.
ભારત પરત ફર્યા બાદ તેમણે સ્ક્રિપ્ટો લખવાની સાથે ડૉક્યુમેન્ટરી બનાવવાનું શરૂ કર્યું. તેમણે બનાવેલી કેટલીક ડૉક્યુમેન્ટરી ડિસ્કવરી (Discovery), કેનલ પ્લસ, બીબીસી (BBC) અને અન્ય આંતરરાષ્ટ્રીય ટીવી નેટવર્ક્સ પર પ્રસારિત થઈ હતી. તેમના કામથી પ્રભાવિત થઈને ફ્રેન્ચ ડૉક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા યોલાન્ડે ઝૌબરમેને નલિનને તેમની ડૉક્યુમેન્ટરી 'બોર્ન ક્રિમિનલ ઇન ઇન્ડિયા' માં કો-પ્રોડ્યુસર બનાવ્યા. આ ફિલ્મને પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મળી, જે નલિનના કરિયરનો મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
નલિનકુમાર પંડ્યા કેવી રીતે બન્યા 'પાન નલિન'?
વર્ષ 1991માં તેમણે 'ખજુરાહો' નામની 15 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી, જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી. ત્યાં તેમની મુલાકાત ઘણા યુરોપિયન ફિલ્મમેકર્સ સાથે થઈ. તેમની સાથે મળીને નલિન ડૉક્યુમેન્ટરી ફિલ્મો બનાવવા લાગ્યા. આ કામ દરમિયાન યુરોપિયન ફિલ્મમેકર્સ તેમને 'નલિનકુમાર પંડ્યા' ના બદલે ટૂંકમાં 'પાન નલિન' તરીકે બોલાવવા લાગ્યા. બસ, ત્યારથી તેઓ આ જ નામથી વિશ્વભરમાં જાણીતા બન્યા.
વર્ષ 2002થી અત્યાર સુધીમાં પાન નલિનને વૈશ્વિક સ્તરે 16થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળી ચૂક્યા છે. આજે આંતરરાષ્ટ્રીય સિનેમા જગતમાં, ખાસ કરીને યુરોપમાં, પાન નલિનને એક ખૂબ જ આદરણીય અને મોટા ફિલ્મમેકર તરીકે ગણવામાં આવે છે.
