✍ આ પ્રકરણમાં રહેલ ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો
ટૂંકા પ્રશ્નો
- સોશિયલ નેટવર્કિંગ એટલે શું ?
- વેબ 2.0 ની ઉપયોગિતા લખો.
- વેબ 2.0 નો અર્થ લખો.
- વેબ 2.0 નો અર્થ લખો.
- Mashup (મેશપ) વિશેની સમજ લખો.
- સિમેન્ટિક વેબ એટલે શું.
- સિમેન્ટિક વેબમાં સમાવિષ્ટ થતા કોઈપણ બે ટેક્નોલોજી વિશે જણાવો.
જવાબો
Q. 1. સોશિયલ નેટવર્કિંગ એટલે શું?
સામાન્ય રીતે સોશિયલ નેટવર્કિંગની વેબસાઈટો વિચારો અને નવાચારોને શૅઅર કરવા તેમજ ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતી હોય છે. ટેગિંગ અને કોમેન્ટિંગ જેવી સુવિધાઓ આ પ્રકારની વેબસાઈટોને વધુ આકર્ષક બનાવે છે.
Q. 2. વેબ 2.0 ની ઉપયોગિતા લખો.
- વેબ 2.0 એ એવું ઓનલાઈન ટૂલ કે પ્લેટફોર્મ છે કે જે લોકોને પોતાના અભિપ્રાયો, તર્ક, યોજનાઓ, વિચારો, કે અનુભવો શૅઅર કરવાની તક આપે છે.
- તે અંતિમ ઉપયોગકર્તા સુધી પહોંચવાની તક પૂરી પાડે છે, જ્યાં ઉપયોગકર્તા માત્ર વેબસાઈટ કે તેની એપ્લીકેશન સાથે નહિ પણ અન્ય સુવિધાઓ (જેવી કે પોડકાસ્ટિંગ, બ્લોગિંગ, ટેગિંગ, RSS ફીડ, સોશિયલ બુકમાર્કિંગ વગેરે) સાથે જોડાય છે.
- શિક્ષણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ શૈક્ષણિક સાહિત્ય, અસાઈનમેન્ટ અને વિડીયો ઓનલાઈન મૂકવા અને તેના પર પ્રતિભાવો મેળવવા માટે તે ખૂબ ઉપયોગી છે.
Q. 3. વેબ 2.0 નો અર્થ લખો.
વેબ 2.0 એ બીજી પેઢીની 'World Wide Web' નું સ્વરૂપ છે જે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ઉપયોગકર્તાઓને વેબસાઈટમાં ઓનલાઈન માહિતી એકત્રિત કરવી, માહિતીનું સર્જન કરવું, પ્રતિભાવો આપવા કે તેને શૅઅર (Share) કરવાની સુવિધા પૂરી પાડે છે. વેબ 2.0 એ કોઈ સોફ્ટવેર નથી પરંતુ તે એવી સુવિધાઓ માટે વપરાતો શબ્દ છે જે ઈન્ટરનેટના માધ્યમથી ઉપયોગકર્તાને પોતાની માહિતી મુકવા દે, સામુહિક રીતે માહિતીનું સર્જન કરવા દે કે પછી માહિતી પર પ્રતિભાવ આપવા દે.
Q. 4. વેબ 3.0 નો અર્થ લખો.
વેબ 3.0 એટલે 'સિમેન્ટિક વેબ' (અર્થપૂર્ણ વેબ).
સાવ સરળ શબ્દોમાં કહીએ તો, આ ઇન્ટરનેટનું એવું આધુનિક સ્વરૂપ છે જેમાં વેબ પરની માહિતી અને વસ્તુઓ વચ્ચેના સંબંધને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી મશીન (કોમ્પ્યુટર) અને માણસો બંને તેને ખૂબ જ સરળતાથી સમજી શકે. તે વેબસાઈટ પર ડેટા (Data) તેમજ દસ્તાવેજો (Documents) રાખવાની એક વિશેષ પ્રક્રિયા છે.
Q. 5. Mashup (મેશપ) વિશેની સમજ લખો.
મેશપ (Mashup) એટલે બે કે તેથી વધુ સ્રોતોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ વેબપેજ.
Q. 6. સિમેન્ટિક વેબમાં સમાવિષ્ટ થતા કોઈપણ બે ટેક્નોલોજી વિશે જણાવો.
સિમેન્ટિક વેબ (વેબ 3.0) માં ડેટાના વિશ્લેષણ માટે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. તેમાંથી કોઈપણ બે ટેક્નોલોજી નીચે મુજબ છે:
- આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ - Artificial Intelligence (AI)
- ડેટા માઈનીંગ - Data Mining (DM)
- લિંકડ ડેટા (LD) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP)
આ પ્રકરણ માં રહેલ સવિસ્તર અને મુદ્દાસર પ્રશ્નો (મુદ્દા સહીત)
- વેબ 2.0 ના માધ્યમો જણાવો.
- 'વેબ 2.0 અને વેબ 3.0 એ શિક્ષણના સમૃદ્ધિકરણના માધ્યમ છે.' – વિધાનની વિસ્તૃત ચર્ચા કરો. અથવા વેબ 2.0 અને વેબ 3.0 ના ઉપયોગથી શિક્ષણ વધુ સમૃદ્ધ બન્યું છે. સમજાવો.
- વેબ 2.0 ની લાક્ષણિકતા.
- વેબ 2.0 ની ઉપયોગીતા.
- 'વેબ 2.0 અને વેબ 3.0 વચ્ચેનો તફાવત
Q. 1 વેબ 2.0 ના માધ્યમો જણાવો.
વેબ 2.0 પોતે જ એક માધ્યમ છે, પરંતુ તે માહિતીના અસરકારક સંચાલન માટે જુદા જુદા પ્રકારના ઉપકરણોનો (માધ્યમોનો) ઉપયોગ કરે છે. તેના મુખ્ય માધ્યમો ઉદાહરણ સહિત નીચે મુજબ છે:
૧. મીડિયા શૅરિંગ (Media Sharing):
- સમજૂતી: શિક્ષકો દ્વારા તૈયાર થયેલ શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ, ઓડિયો અને વિડીયો જેવા સ્વરૂપની ફાઈલો વેબ 2.0 ટેકનોલોજી ધરાવતી વેબસાઈટો પર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન મૂકીને શૅઅર (Share) કરવામાં આવે છે.
- ઉદાહરણ: ગૂગલ ડ્રાઈવ (google drive), યુટ્યુબ (youtube), ટીચરટ્યુબ (teachertube) અને સ્લાઈડશૅઅર (slideshare).
૨. બ્લોગિંગ (Blogging):
- સમજૂતી: જુદી જુદી વેબસાઈટો ઉપયોગકર્તાને બ્લોગ્સ તૈયાર કરવા માટે પર્યાપ્ત જગ્યા તેમજ તૈયાર ટુલ્સ પૂરા પાડે છે. શિક્ષકો આવા બ્લોગમાં પોતાના વિચારો, શૈક્ષણિક સાહિત્ય અને અનુભવો મૂકે છે. તેના પર વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો પોતાના પ્રતિભાવો આપીને બ્લોગને વધુ દર્શનીય બનાવે છે.
૩. વિકીઝ (Wikis):
- સમજૂતી: Wikis એ વેબસાઈટનો જ એક પ્રકાર છે જ્યાં એક સાથે ઘણા યુઝર્સ (Users) ઓનલાઈન થઈ શકે છે. તેઓ જુદા જુદા વિષયોને લગતી માહિતી વાંચી શકે છે તેમજ તેમાં જરૂરી સુધારાવધારા પણ કરી શકે છે. શિક્ષકો પોતાના વિષયના Wikis બનાવી જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે.
- ઉદાહરણ: વિકિપીડિયા (જોકે, પાઠ્યપુસ્તકમાં નોંધેલ છે કે વિકિપીડિયા એ માન્ય સ્રોત ગણાતો નથી).
૪. સોશિયલ નેટવર્કિંગ (Social Networking):
- સમજૂતી: સામાન્ય રીતે સોશિયલ નેટવર્કિંગની વેબસાઈટો વિચારો અને નવાચારોને શૅઅર કરવા તેમજ ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતી હોય છે. ટેગિંગ અને કોમેન્ટિંગ જેવી સુવિધાઓ આ પ્રકારની વેબસાઈટોને વધુ આકર્ષક બનાવે છે.
- ઉદાહરણ: ફેસબુક (http://www.facebook.com), લર્નહબ (http://learnhub.com) અને લિંક્ડઈન (http://www.linkedin.com).
Q. 2 'વેબ 2.0 અને વેબ 3.0 એ શિક્ષણના સમૃદ્ધિકરણના માધ્યમ છે.' – વિધાનની વિસ્તૃત ચર્ચા કરો. અથવા વેબ 2.0 અને વેબ 3.0 ના ઉપયોગથી શિક્ષણ વધુ સમૃદ્ધ બન્યું છે. સમજાવો.
વેબ 2.0 અને વેબ 3.0 ના ઉપયોગથી શિક્ષણ ગુરુ પ્રણાલીથી ઈ-લર્નિંગ તરફ આગળ વધ્યું છે અને ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. તેને નીચેના મુદ્દાઓ અને ઉદાહરણો દ્વારા સમજી શકાય:
1. માહિતીનું સરળ આદાન-પ્રદાન
- વેબ 2.0 ટેકનોલોજી ધરાવતી વેબસાઈટો કે બ્લોગ્સના ઉપયોગથી માહિતીની આપ-લે ખૂબ જ સરળ અને આંતરક્રિયાત્મક બની છે.
- વેબ 3.0 ની મદદથી જુદી જુદી માહિતીઓ વચ્ચેના સંબંધો જાણી શકાય છે, જેનાથી ડેટા સાથે જોડાયેલા ચોક્કસ નિર્ણયો લેવામાં મદદ મળે છે.
- ઉદાહરણ: ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK)’ માં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના ડેટા એકત્રિત કરી ડેટા આધારિત નિર્ણયો લેવામાં આવે છે.
2. મુક્ત શિક્ષણ અને નિર્ણયોની ત્વરિતતા
- વેબ 2.0 આધારિત વેબસાઈટોના ઉપયોગથી શિક્ષણ હવે સ્થળ અને સમયના બંધનમાંથી મુક્ત બન્યું છે અને વર્ગખંડની ચાર દીવાલોથી બહાર નીકળીને વિસ્તૃત બન્યું છે.
- વેબ 3.0 માં ડેટા વચ્ચે રહેલા આંતરસંબંધો જાણી શકાતા હોવાથી, તેના અભ્યાસ થકી નિર્ણયો ખૂબ જ ઝડપથી (ત્વરિત) અને સરળતાથી લઈ શકાય છે.
3. વિવિધ ડેટા આધારિત ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ
- વેબ 2.0 ડેટાના વાહક તરીકે મીડિયા શેરિંગ, બ્લોગિંગ, વિકિઝ અને સોશિયલ નેટવર્કિંગ જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે.
- જ્યારે વેબ 3.0 ડેટાના વિશ્લેષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI), ડેટા માઈનીંગ (DM), લિંકડ ડેટા (LD) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે, જેનાથી શિક્ષણની અસરકારકતામાં વધારો થાય છે.
4. આંતરક્રિયાત્મક શિક્ષણ અને પરિણામોનું અનુમાન
- વેબ 2.0 ના ઉપયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાના સંપર્કમાં આવીને ચેટ, ફાઈલ શેરિંગ અને કમ્યુનિકેશન ખૂબ જ સરળતાથી કરી શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લીધે પોતાના વિચારો પણ અભિવ્યક્ત કરી શકે છે.
- વેબ 3.0 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીના ઉપયોગથી, પ્રાપ્ત થયેલા ડેટાના આધારે પરિણામોના અનુમાનો (Predictions) કરવામાં મદદરૂપ બને છે.
Q. 3 વેબ2.0 ની મુખ્ય લાક્ષણિકતાઓ મુદ્દાસર નીચે પ્રમાણે છે:
1. ફોકસોનોમી (Folksonomy) નો ઉપયોગ:
- વેબ2.0 ફોકસોનોમીનો ઉપયોગ કરે છે.
- તેનો સામાન્ય અર્થ એ છે કે લોકો (ઉપયોગકર્તા) દ્વારા જ ઇન્ટરનેટ પર ઓનલાઈન માહિતીઓનું વર્ગીકરણ અને ગોઠવણી કરવામાં આવે છે, જેથી જરૂરિયાત મુજબ માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકાય.
- ઉદાહરણ: Content ને ટેગિંગ (Tagging)કરી વર્ગીકૃત કરવું.
2. સમૃદ્ધ અને આંતરક્રિયાત્મક માળખું:
- વેબ2.0 ટેકનોલોજીના વિકાસે વેબસાઈટના માળખાને વધુ આંતરક્રિયાત્મક (Interactive) બનાવ્યું છે.
- આ માળખામાં ઉપયોગકર્તાને માત્ર માહિતી વાંચવા પૂરતું સીમિત ન રાખતા, વેબસાઈટમાં અમુક અંશે ફેરફાર કરવાની તક પણ પૂરી પાડવામાં આવે છે.
3. ઉપયોગકર્તા એ જ સહયોગકર્તા (User as a Collaborator):
- વેબ1.0 ની શરૂઆતની વેબસાઈટો માત્ર વ્યાવસાયિક વ્યક્તિઓ દ્વારા જ તૈયાર થતી અને ઉપયોગકર્તા તેને માત્ર જોઈ શકતો.
- જ્યારે વેબ 2.0 માં દ્વિપક્ષીય ક્રિયાઓ ધરાવતું માળખું બન્યું છે, જેમાં ઉપયોગકર્તા પણ પોતાના પ્રતિભાવો (Comments)આપી શકે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. આથી ઉપયોગકર્તા પોતે જ એક સહયોગકર્તા બની જાય છે.
૪. ઉપયોગકર્તા પર પૂર્ણ વિશ્વાસ:
- આ પ્રકારની વેબસાઈટ ઉપયોગકર્તા પર પૂર્ણ વિશ્વાસ મૂકે છે.
- વેબ2.0 માં માહિતી કે વેબસાઈટને શૅઅર (Share) કરવી,તેનો ફરી ઉપયોગ કરવો,ફરીથી વિતરિત કરવી કે તેમાં સુધારાવધારા કરવા જેવી સંપૂર્ણ છૂટ ઉપયોગકર્તાને આપવામાં આવે છે.
૫. ઝડપી વિકાસ અને વેબસાઈટોનું જોડાણ:
- વેબ2.0 એ ખૂબ ઝડપથી વિકસતી ટેકનોલોજીનું સ્વરૂપ છે.
- તેમાં ઘણી બધી વેબસાઈટો એકબીજા સાથે જોડાય છે. જુદી જુદી વેબસાઈટોની સુવિધાઓનો એક જ વેબસાઈટમાંથી ઉપયોગ કરવાની સગવડ પણ આમાં પ્રાપ્ત થાય છે.
- ઉદાહરણ: મેશપ (Mashup) - જ્યાં બે કે તેથી વધુ સ્રોતોનો ઉપયોગ કરી નવું વેબપેજ બનાવવામાં આવે છે.
Q. 4 વેબ 2.0 ની ઉપયોગીતા
સામાન્ય ઉપયોગિતા:
- વેબ2.0 એ એવું ઓનલાઈન ટૂલ કે પ્લેટફોર્મ છે જે લોકોને પોતાના અભિપ્રાયો, તર્ક, યોજનાઓ, વિચારો કે અનુભવો શૅઅર કરવાની તક આપે છે.
- તે અંતિમ ઉપયોગકર્તા સુધી પહોંચવાની તક પણ પૂરી પાડે છે.
- ઉદાહરણ તરીકે: આ પ્લેટફોર્મમાં ઉપયોગકર્તા માત્ર વેબસાઈટ સાથે નહિ પણ પોડકાસ્ટિંગ (PodCasting),બ્લોગિંગ (Blogging),ટેગિંગ (Tagging),આરએસએસ ફીડ (Rss Feed), સોશિયલ બુક માર્કિંગ (Social Book Marking), સોશિયલ નેટવર્કિંગ (Social Networking) કે વેબ કન્ટેન્ટ વોટીંગ (Web Content Voting) જેવી અન્ય સુવિધાઓ સાથે જોડાય છે.
શિક્ષણમાં (અધ્યેતા અને અધ્યાપકો માટે) ઉપયોગિતા:
- શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક સાહિત્ય (જેમ કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન) ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન મૂકીને વિદ્યાર્થીઓ માટે પ્રાપ્ય બનાવી શકાય છે.
- શિક્ષક સરળતાથી અસાઈનમેન્ટ (સ્વાધ્યાય) કે ટેસ્ટ પેપર ઓનલાઈન મૂકી શકે છે અને વિદ્યાર્થીઓ તેના પર જરૂરી પ્રતિભાવો આપી શકે છે.
- વિદ્યાર્થીઓ પોતાના તૈયાર કરેલ અસાઈનમેન્ટસ ઓનલાઈન મૂકી શકે છે જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ તેને જોઈ શકે અને પ્રતિભાવ આપી શકે.
- જો વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિડીયો કે ઓડિયો પ્રકારનું સાહિત્ય તૈયાર કર્યું હોય,તો તે પોતાના શિક્ષકો અને મિત્રો સાથે ઓનલાઈન શૅઅર કરી શકે છે અને તેમાં જુદા જુદા પ્રકારની કોમેન્ટ્સ પણ આપી શકે છે.
- શિક્ષકો પોતાના વ્યાખ્યાનો (Lectures) ઓનલાઈન મૂકી શકે છે અને વિદ્યાર્થીઓ તેને ઓનલાઈન નિહાળી તેના પર પ્રતિભાવો આપી શકે છે.
- શિક્ષકો પોતાના વિષયોના બ્લોગ્સ કે વિકિઝ (Wikis) બનાવીને પોતાના વિષયને લગતી માહિતીઓ ઓનલાઈન શૅઅર કરી શકે છે.
Q. 5 વેબ 2.0 અને વેબ 3.0 વચ્ચેનો તફાવત
| મુદ્દો | વેબ 2.0 | વેબ 3.0 |
|---|---|---|
| 1. મૂળભૂત અર્થ | તે એવી સુવિધાઓ માટે વપરાતો શબ્દ છે, જે ઈન્ટરનેટના માધ્યમથી ઉપયોગકર્તાને પોતાની માહિતી મુકવા દે, સામુહિક રીતે માહિતીનું સર્જન કરવા દે કે પછી માહિતી પર પ્રતિભાવ આપવા દે છે. | તે 'સિમેન્ટિક વેબ' (અર્થપૂર્ણ વેબ) ના સ્વરૂપે વિકાસ પામી રહી છે, જેમાં વેબ પરની વસ્તુઓ વચ્ચેના સંબંધને એવી રીતે વર્ણવવામાં આવે છે કે મશીન અને લોકો તેને સરળતાથી સમજી શકે. |
| 2. કેન્દ્રબિંદુ (ફોકસ) | તે ડેટાની આંતરક્રિયાત્મકતા (Interactivity) દર્શાવે છે. | તે ડેટા વચ્ચે રહેલા આંતરસંબંધો દર્શાવે છે. |
| 3. માધ્યમો અને ટેકનોલોજી (ઉદાહરણ સહિત) | તે ડેટાના માધ્યમ તરીકે મીડિયા શૅરીંગ, બ્લોગિંગ, વિકિઝ અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. | તે ડેટાના વિશ્લેષણ માટે સિમેન્ટિક વેબ સર્વિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા માઈનીંગ (DM), લિંકડ ડેટા (LD) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP)જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે. |
| 4. અનુમાન અને વિશ્લેષણ | તે સામાન્ય રીતે ડેટા શૅરીંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત હોવાથી, ડેટા વિશેના ચોક્કસ અનુમાનો કરવામાં બહુ ઉપયોગી થતું નથી. | તે AI અને DM જેવી ટેક્નોલોજીના ઉપયોગથી ડેટા વિશ્લેષણની પ્રક્રિયામાં મદદરૂપ થતું હોવાથી ચોક્કસ અનુમાનો કરવામાં સહાયભૂત થાય છે. |
| 5. વિકાસનું સ્વરૂપ | આ વેબ 1.0 નું અદ્યતન સ્વરૂપ છે, જે વેબસાઈટની આંતરક્રિયાત્મકતા વધારવા માટેના માધ્યમો અને ટેકનોલોજી દર્શાવે છે. | આ વેબ 2.0 નું અદ્યતન સ્વરૂપ છે, જે ડેટાના જુદા જુદા વિશ્લેષણ માટેની ટેક્નોલોજી દર્શાવે છે. |
મુખ્ય પારિભાષિક શબ્દો અને સંકલ્પનાઓ (ટુંકા પ્રશ્નોમા પુછાઇ શકે છે.)
- વેબ પ્રોગ્રામ્સ (Web Programms): વેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ, કે જે ઈન્ટરનેટ બ્રાઉઝરને સપોર્ટ કરતા હોય.
- સોશિયલ નેટવર્કિંગ (Social Networking): સોશિયલ નેટવર્કિંગ એ એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં સમાન રસ, રુચી કે પ્રવૃતિઓ ધરાવતા લોકો મળી શકે અને પોતાના અનુભવો ઓનલાઈન શૅઅર કરી શકે.
- ઈન્ટરેક્ટિવ સાઈટ્સ (Interactive sites): ઈન્ટરેક્ટિવ સાઈટ્સ એ એવા પ્રકારની વેબસાઈટોનું સ્વરૂપ છે જેમાં ઉપયોગકર્તા માત્ર માહિતીને જોઈ શકવાને બદલે તેમાં કોમેન્ટ્સ કે પ્રત્યુતર આપી શકે તેવી સુવિધા હોય.
- વિડીયો શૅરીંગ સાઈટ્સ (Video sharing sites): વિડીયો શૅરીંગ સાઈટ્સ એ એવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડતી વેબસાઈટો છે કે જ્યાં ઉપયોગકર્તા પોતાના વિડીયો અપલોડ કરી શકે તેમજ ડાઉનલોડ કરી શકે તેમજ અન્ય વ્યક્તિના વિડીયોને પણ અપલોડ તેમજ ડાઉનલોડ કરી શકે.
- વેબ કમ્યુનિટી (વેબ સમુદાયો): વેબ કમ્યુનિટી એ ઈન્ટરનેટ પર લોકો દ્વારા રચવામાં આવેલ વાસ્તવિક લાગે તેવા સમૂહો છે, કે જ્યાં લોકો ઓનલાઈન મળી શકે, વાતો કરી શકે અને ફાઈલો શૅઅર કરી શકે.
- હોસ્ટ સર્વિસ (Host Service): હોસ્ટ સર્વિસ એ ઈન્ટરનેટ પરનું એવું સર્વર છે, જે વ્યક્તિ કે સંસ્થાને World Wide Web પર તેમની વેબસાઈટો બનાવવા તેમજ વાપરવાની છૂટ આપે છે.
- વિકીઝ (Wikis): કોઈ વ્યક્તિ કે સમુદાય દ્વારા બનાવવામાં આવેલ તેવો ઓનલાઈન દસ્તાવેજ કે જે અન્ય વ્યક્તિઓ વાંચી શકે તેમજ તેમાં જરૂરી સુધારાઓ કરી શકે.
- બ્લોગસ (Blogs): બ્લોગ એ વેબસાઈટ્સનું જ એક સ્વરૂપ છે, જે કોઈ વ્યક્તિ દ્વારા કે સંસ્થા દ્વારા નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવા બ્લોગસ માહિતી શૅઅર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.
- મેશપ (Mashup): મેશપ એ એક કરતા વધુ વેબસાઈટોને જોડીને બનાવવામાં આવતું બ્લોગ કે વેબસાઈટનું સ્વરૂપ છે. જેમાં એક કરતા વધુ લિંકસ તેમજ પેજનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
- પોડકાસ્ટિંગ (PodCasting): સામાન્ય રીતે ઓડિયો સ્વરૂપની ફાઈલને ઈન્ટરનેટ પર ઓનલાઈન સાંભળવાની સુવિધાઓ પૂરી પાડતી વ્યવસ્થાને પોડકાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત રેડિયો પર થતું બ્રોડકાસ્ટિંગ
- ટેગિંગ (Tagging): સામાન્ય ભાષામાં ટેગિંગ એટલે ઓળખ દર્શાવતો શબ્દ આપવો. ઇન્ટરનેટની પરિભાષામાં ફોટો, ડોક્યુમેન્ટ, કે દ્રશ્ય-શ્રાવ્ય ફાઈલોને ઓળખ આપવા માટે કરવામાં આવતી પ્રક્રિયા.
- આર.એસ.એસ ફીડ (Rss Feed): RSS ફીડ ને Really Simple Syndicationના નામે ઓળખવામાં આવે છે. ઈન્ટરનેટ પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર થયેલા અપડેટની માહિતી RSS feed પૂરી પાડે છે.
- સોશિયલ બૂક માર્કિંગ (Social Book Marking): સોશિયલ બૂક માર્કિંગ એ ઉપયોગકર્તાને વેબ ડોક્યુમેન્ટમાં રહેલા બૂકમાકર્સ ઉમેરવા, સુધારવા કે શૅઅર કરવા માટેની સુવિધા છે.
- વેબ કન્ટેન્ટ વોટિંગ (Web Content Voting): વેબ કન્ટેન્ટ વોટિંગ એ વેબ સાઈટ પર રહેલા પેજ તેમજ તેમના કન્ટેન્ટ (વિષયવસ્તુ) પર પોતાના મત દર્શાવવા માટેની પ્રક્રિયા છે.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence): કોઈ એવું મશીન કે જે બુદ્ધિપૂર્વક અને મનુષ્યની જેમ વર્તે ત્યારે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે તેમ કહેવાય.
- મશીન લર્નિંગ (Machine Learning): એવી તકનિક કે જેના દ્વારા કમ્પ્યુટર વિવિધ નિયમોના જટિલ સમૂહનો ઉપયોગ કર્યા વગર ડેટામાંથી શીખી શકે છે. આ અભિગમ મુખ્યત્વે ડેટા સેટ્સમાંથી મોડેલને તાલીમ આપવા પર આધારિત છે.
- નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ (Natural Language Processing): નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP)એ અંગ્રેજી જેવી કુદરતી ભાષા (Natural Language)નો ઉપયોગ કરીને બુદ્ધિશાળી સિસ્ટમો સાથે વાતચીત કરવાની AI આધારિત પદ્ધતિ છે. જયારે તમે તમારી સૂચનાઓ અનુસાર રોબોટ જેવી બુદ્ધિશાળી સિસ્ટમ પાસે કાર્ય કરાવવા માંગો છો ત્યારે NLPઉપયોગી બને છે.
- ડેટા માઈનીંગ (Data Mining): ડેટા માઈનિંગ એ પેટર્ન અને સંબંધોને ઓળખવા માટે મોટા ડેટા (બહોળો ડેટાસેટ)ના ઉપયોગ દ્વારા ડેટાને વિશ્લેષિત કરવાની પ્રક્રિયા છે, જે વિવિધ પ્રકારના ડેટા વિશ્લેષણ દ્વારા શૈક્ષણિક તેમજ વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. ડેટા માઈનિંગ વ્યક્તિને જુદી જુદી તકનિકો અને સાધનોના ઉપયોગથી ભવિષ્યના વલણોની આગાહી કરવા અને નિર્ણયો લેવા સક્ષમ કરે છે.
- લિંકડ ડેટા (Linked Data): કમ્પ્યુટર ક્ષેત્રે, લિંકડ ડેટા એ સ્ટ્રકચર્ડ ડેટા (વર્ગીકૃત) છે, જે અન્ય ડેટા સાથે આંતરિક રીતે જોડાયેલો છે. આ પ્રકારના ડેટાના ઉપયોગથી જટિલ ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે.
- બ્લોક ચેઈન (Block Chain): બ્લોક ચેઈન એ પીઅર ટુ પીઅર નેટવર્કમાં જોડાયેલા ઘણા કમ્પ્યુટર્સ પર બિટકોઈન અથવા અન્ય ક્રિપ્ટોકરન્સીમાં થયેલા વ્યવહારોનો રેકોર્ડ જાળવવામાં મદદ કરે છે.